ગઝલ : વિજય રાજ્યગુરુ
જવાનું મન નથી ને જાઉં છું !
ચરણ ચાલે ને હું રોકાઉં છું !
તમારી ઝાંઝરી જ્યાં રણઝણે,
તરંગો જેમ હું ફેલાઉં છું !
તમે ખુશ્બૂ વિખેરી એટલે ,
પવન ઉન્મત્ત થઈને વાઉં છું !
ઝરૂખે રોજ ઝૂલો છો તમે ,
અને હું ડાળ થઈ લંબાઉં છું !
તમે જે ધૂન મીઠ્ઠી ગણગણો ,
બનાવી ગીત એનાં ગાઉં છું .
ભરત ભરતા તમારા હાથથી ,
રૂમાલે હું જ હું ગૂંથાઉં છું .
નદી થઈને વળો છો જો તમે ,
કિનારા જેમ હું અમળાઉં છું !
ફરેબી છે હવા ને સ્નેહ પણ ,
ઝઝૂમી આખરે બુઝાઉં છું !
તમે શોધી શકો તો શોધજો ,
તમારી ભીતરે સંતાઉં છું !
No comments:
Post a Comment