Friday, 2 June 2017

અછાંદસ

એક અધૂરો નિબંધ

વર્ગમાં હું બોલી: મા સાથેની સુખદ ક્ષણો યાદ કરીને
એક સંવેદનસભર નિબંધ લખો
બધાં છાત્રો પૂરી તલ્લીનતાથી લખતાં હતાં
પણ આ શું ?
માત્ર છેલ્લી પાટલી ઉપરનો એક છાત્ર કશું જ લખતો ન હતો
મેં કહયું: નિબંધ તો સાવ સહેલો છે ,છતાં તું આમ હાથ જોડીને--
બીજાએ તો લખી પણ નાંખ્યો અને એક તું છે જે ---
આ પહેલાં પૂરા બે દિવસ 'મા' વિષય ભણાવ્યો તેનું શું ?
આવું તે કંઈ હોય? મારી મહેનતનું શું?
ફૂટપટ્ટીવાળો મારો હાથ સ્હેજ ગુસ્સાથી ઉચકાયો--
પણ ત્યાં જ ---
એ બાળક નો દયનીય ચહેરો જોઇ
હું ગુસ્સો ગળે ઉતારી પીઠ ફેરવું છું, ને ત્યાં જ---
ટીચર, બધાને તો મા છે -- જયારે મારે તો --
ટીચર મા વિના  સંવેદના ? ટીચર 'મા' એટલે શું ?
હું કંપી ઉઠી , મારી અંદર એક અગમ્ય ભીંસે ભરડો લીધો
બાળકની આંખેથી પેલો પ્રશ્ર્ન દદડવાની તૈયારીમાં જ હતો
ને એ સાથે જ ફૂટપટ્ટી હાથમાંથી સરી પડી
બેઉ હાથે પૂરી તીવ્રતાથી એને છાતી સરસોં ચાપતાં હું બોલી ઉઠી
બેટા-- મા એટલે કે -- તારી આ -- 'ટીચરમા ' --
અને એ જ ક્ષણે જાણે કે --
મારી શેર માટીની ખોટમાં
પૂરી મૌલિકતાથી --
એક
સુગંધિત ફૂલ ખીલવીને
ખુદ
ઇશ્ર્વરે જ જાણે કે--
મા તેમજ દીકરાંનો
અધૂરો રહી ગયેલ
એક સંવેદનસભર નિબંધ
પૂર્ણ કરી આપ્યો  !!
કવયિત્રી-- પ્રજ્ઞા વશી - સુરત

No comments:

Post a Comment