Friday, 16 June 2017

ગીત

ગુંજામાં દરિયો

ગુંજામાં એક ભર્યો દરિયો ને બીજામાં દરિયાની રેત ...
ઉપરથી  આકાશે  ટપકાવી  વાદળને વરસાવ્યું હેત ...

    કાલિન્દી કાંઠે સાંભળવાને વાંસળીને, બોલોને, મન થયું ...
    વાંસળીનો   કટકો  શું  રોપ્યો  કે  બોલો, વાંસવન  થયું ...
    થયું ગોકુળિયે ઝુંપડી બાંધીને હું રહેત ...
    ગુંજામાં ...

મંદિરમાં  ઝાલરનું  વાગવું  સમી સાંજે ...
વાદળનું કાજળને આંજવું સમી સાંજે ...
ઝરમરતા વરસાદે ભીંજાવાની વાત હું કહેત ...
ગુંજામાં ...

    બે પંખી સરવરની પાળે જઇ મળવાનાં?
    બે પંખી  એક  થઈ જઈ ગીત ગાવાનાં?
    અંધારી રાતોમાં પડધેલું મૌન સાંભળી તો હું લેત ...
    ગુંજામાં ...

- હરિહર શુક્લ
૦૮-૦૫-૨૦૧૭
૧૧-૦૬-૨૦૧૭

No comments:

Post a Comment