Friday, 16 June 2017

ગીત

નીસરી નીડમાંથી પંખીડા એ ચાંચ મારી
   ને પરોઢમાં પડિયા છેદ
તડકો વિખરાય સઘળો ચોગમ
કેમ કરી ઉજાસ ઝીલું
એક એક કરી રંગ જાય વહી
કે મારો ખોબલો રે ખાલી..
   

આડે પડખે જરી ઝૂલુ ઝૂલણો બપોરે
  ટહુકો કોયલનો ઠેસ મારે
મારો ઝૂલો ચડે આકાશે
    કેમ કરી વાયરાને બાંધુ
એકએક કરી ટહુકા ગયા ઓગળી
કે  મારો ખોબલો રે ખાલી...

આંજણ આંજીને રાત  આવે ઊજળી
   તારલા ની ઓઢું ઓઢણી
પાર જુવે આંખ આકાશ ની
  કેમ કરી નજરુંને બાંધુ
એક એક ભવ મારા જાતાં ડૂબી
  કે મારો ખોબલો રે ખાલી..

માના વ્યાસ

No comments:

Post a Comment