એક બખિયા ગીત//લાલજી કાનપરિયા
મનજી નામે દરજી બેઠો બેઠો દુકાનમાં કૈં દિવસ આખો બખિયા મારે,
ઘડીક તોડે ઘડીક જોડે, આયખાની જંજાળનો ગુસ્સો કપડાં પર ઉતારે.
સવાર પડતાં જ ઘટનાઓનું માપસર કટિંગ કરીને દુકાન કરી દે ચાલુ,
લોક તો બોલે મુખથી ને કાંઇ દરજી બોલે સીવવાના સંચાથી કાલું કાલું.
મનજી નામે દરજી રે કાંઇ મનજી નામે દરજી રે રે એક મનજી નામે દરજી,
કપડાં સીવે લેડીઝનાં જેંટ્સનાં કે પછી બેયનાં ઇ તો જેવી એની મરજી !
ધીરું ધીરું પણ એવું જડબેસલાક સીવે કે ઓપી ઊઠે કપડું તારેતારે !
મનજી નામે દરજી બેઠો બેઠો દુકાનમાં કૈં દિવસ આખો બખિયા મારે.
લેણદેણના ગૂંચવાયેલા દોર ઉકેલતાં ગૂંચવાતો ખુદ દરજી વારેવારે !
મનજી નામે દરજી બેઠો બેઠો દુકાનમાં કૈં દિવસ આખો બખિયા મારે.
નજરુંના તાકાના તાકા જાય ઊકલતા ભીતર;
દરજી બાઘો થૈ નિહાળે, કેટલા રંગો,
કેટલા બુટ્ટા, કેટલી ભાતો ઊઘડી સમણાંને પંપાળે !
ટાણાં ટાણાં નાં ફૂમતાં ટાંકી દરજી એની મરજી મુજબ દરજવટ શણગારે !
મનજી નામે દરજી બેઠો બેઠો દુકાનમાં કૈં દિવસ આખો બખિયા મારે....
No comments:
Post a Comment