ગીત
રે માલમ! મુને દરિયો દેખાડ
દરિયા ને અપલક તાકી રે'વાનું
મે તો ધરબી રાખેલું સુખ
આલેલે એમ બોલી આંખો ફાડી ને મારે
દરિયો જોવાની રે ભૂખ
રે માલમ! મે તો હૈયામાં ધરબી રે ભૂખ
ઘેલી આ આંખડી મા ઉઘડયું આકાશ
મુને જુઠ્ઠા ન નેણલા લડાડ
રે માલમ! મુને દરિયો દેખાડ
કમખે ટાંકી રાખેલી મે મરજાદની જુગજુની વાતો
હૈંયામાં મે મોર જે આંતર્યો
એ ખળખળતા ગીત એવાં ગાતો
રે માલમ! એ તો ખળખળતું ગાણું ગાતો
સૈયજી સંગાથે મારે દરિયો ડહોળવો
લે મેલી મે તો લોક ની આડ
રે માલમ! મુને દરિયો દેખાડ
ભીનેરો વાયરો વાળ માં ભૂંસવો
લેવી ખારી ખારી સુગંધ
દરિયા આખા ને મારે છાતી મા સંતાડવો
ભલે આંખો થઇ જાય અંધ
રે માલમ! ભલે આંખો જોયાનું થાય બંધ
દરિયા ની લહેરો ને મારે નિરાંતે નીરખવી
લે મેં તો ઉંબરથી ઉઘાડ્યા કમાડ
રે માલમ! મુને દરિયો દેખાડ
ભરવાડ નિલેશ 'મન'
No comments:
Post a Comment