Saturday, 1 July 2017

ગીત

નીયમને તોડી, બગડે મીંડે ચલોને સત્તર કરીયે,
ચલોને સાહેબ,ભણતર ઉપર જંતર મંતર કરીયે.

ક્લાસરુમ ના બ્લેકબોર્ડ માં સુરજ ઉગાડી આપો,
પાટલીઓના લક્ક્ડમાંથી વ્રૂક્ષો કોરી આપો,
ચોકના બદલે પીંછુ લઇને રંગ રંગ ચીતરીયે
અમે પાંદડા લીલા થઇને, પવન ઉપર સરસરીયે.

ચોપડીઓના બદલે દફતર ટંહુકાઓથી ભરીયે,
ચલોને સાહેબ, ભણતર ઉપર જંતર મંતર કરીયે.

વર્ગખંડના વર્ગમુળમાં ગયો છે લાગી કાટ,
અંગ્રેજી ને ગણીત પડ્યા છે, મગજમાં ચત્તાપાટ,
ચાર દીવાલો વચ્ચે ભણવી ભુગોળ લાગે નકલી,
રોજ એકનું એક પીવાડે પાણી સ્કુલની ચકલી.

વહેતા ઝરણે,મીઠા જળના ખોબેખોબા ભરીયે,
ચલોને સાહેબ,ભણતર ઉપર જંતર મંતર કરીયે.

-મહેન્દ્ર પોશિયા

No comments:

Post a Comment