કબીરાને : તરહી
મેલી ચાદર મેલ કબીરા
ધો તું મનનો મેલ કબીરા
પથ્થર પર અફળાતું ઝરણું
થઈને તું પણ રેલ કબીરા
મોર ટહૂકે મંદિર ઉપર
નર્તન કરશે ઢેલ કબીરા
ક્ષિતિજ ઉપર સૂરજ ઉગવામાં
આકાશે રંગેલ કબીરા
ચમકારો આંખોમાં, મેઘો
ઝાંઝર થઈ રણકેલ કબીરા
હોઠ અડયા જ્યાં વાંસળીને ત્યાં
સૂરની રેલમછેલ કબીરા
હું તરસું મળવા તુજને પણ
કરશે કોણ પહેલ કબીરા?
જે આંખોને દરસ દીધાં તેં
ખૂબ તને તરસેલ કબીરા
પ્હેરેલાં વસ્ત્રો કોરાં ને
અંતર છે પલળેલ કબીરા
મનની વળગણીઓ ઉપર છે
ઈચ્છાઓ વળગેલ કબીરા
ડાબી કે જમણી ના જાણું
આંખ હતી ફરકેલ કબીરા
મંઝિલ તો આ આવી ગઈ પણ
પ્હોંચવું છે મૂશ્કેલ કબીરા
જે ડાળીએ બેઠેલો હું
એ ડાળી બટકેલ કબીરા
ચિનગારી ચાંપી ન્હોતી પણ
છે ચિતા સળગેલ કબીરા
હરિયાને મળવાને મારો
જીવ ઘણો તડપેલ કબીરા
- હરિહર શુક્લ
૦૯-૦૭-૨૦૧૭
તરહી રદીફ કાફિયા : પ્રવીણ ખાંટ/પ્રસૂન રઘુવીર
No comments:
Post a Comment