એ ય ઘેલા વરસાદ હવે પોરો તો ખા ,
તું ય કોરો તો થા !
તેજ વીનાના દિ', ભેજ વીંટાયા દિ', કિયા ભવનો તું વેરી થઈ આવ્યો ?
છીએ માણસ, ને લગલગાટ આઠઆઠ દિવસથી ખોયો છે ખુદનો પડછાયો !
એ ય કાળિયા, સ્હેજ હવે ગોરો તો થા !
તું ય કોરો તો થા !
આમ ગાંડાની જેમ જ શું વરસ્યા કરીશ ? જરા ધરતીનાં હાલ સામું જો ને ,
રેલ ધમરોળે અક્કેકા ઘરને ત્યાં બચ્ચારા શેરી ને પાદર શું બોલે ?
હવે અટકીને અમિયલ કટોરો તો થા !
અહીં કેટલાંય ફળિયા ને ઓરડાની માહ્ય કાંપ કબજો જમાવીને બેઠો ,
હોય બાળનો કિલ્લોલ અને ભેરુનાં બોલ ત્યાં સન્નાટો ફરતો અદેખો .
બહુ રાખ્યો લે ભાર ! છોડ , ફોરો તો થા !
તું ય કોરો તો થા !
નેહા પુરોહિત
No comments:
Post a Comment