આંખોના દરવાજે ઊભી યાદોની વણઝાર
ભીડ ભરી એકલતા વચ્ચે વરસે અનરાધાર
પરભવની કોઈ પ્રીત અબોલી વનવગડામાં ભટકે
સોંસરવી આ જાત પછી તો રૂંવે રૂંવે ચટકે
કોને પૂછવું નામ અમારુ,શું મારો આધાર....આંખોના દરવાજે.....
એકવાર તો દરિયો આવી બેઠો મારા હૈયે
કાંઠે કાંઠા તોડી નાખ્યા તોય અમે ચૂપ રહીયે
આ જન્મારો હજી વેઠવો પડશે આ સંસાર.....આંખોના દરવાજે.......
નામ વિનાના પડછાયામાં હું જ મને લઈ ઉડું
આભ હજી તો પાંખોમાં છે એનાથી શું રૂડું!
કોક જનમની પીડાઓને મળી જાય આકાર..આંખોના દરવાજે......
......વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment