Saturday, 29 July 2017

અછાંદસ

વિરહિણી

હોજમાં
સુગંધિત જળમાં તરતી ગુલાબની પાંખડીઓ સંગ
તરતાં તરતાં નહાવાનું
ક્યાં નસીબમાં?

સુગંધિત તેલ મર્દન પામેલ ...
ફૂલોની વેણીથી અંબોડામાં બંધાયેલ ...
હોવાનું સૌભાગ્ય ક્યાં
સહસ્ત્ર ફેણાળા નાગ સમ વિખરાયેલ
રૂક્ષ વાળની લટોને?

માત્ર મિલન ઉત્સુક ધબકતા હૃદયના તાલે
ફૂલેલી નાસિકામાંથી નીકળેલ ...
નરમ, ગરમ, તપ્ત, ઝડપી શ્વાસ :
ગુલાબની પાંદડી શા હોઠોને મૂરઝાવે ...
ગુલાબી ગાલોને ઢાંકતી રૂક્ષ લટોને હટાવે ...

સ્વપ્નમાં પ્રિય મિલન કાજ
આંખે ઉભરાયલ અશ્રુના ભારથી લચી પડેલ
પોપચાં ક્યાં બીડવા પામવાની
નિદ્રાકાંક્ષિણી વિરહિણી?

- હરિહર શુક્લ
  ૨૪-૦૭-૨૦૧૭

No comments:

Post a Comment