ગઝલ
રમતમાં ને રમતમાં સાવ ખોઈ બાળપણ નાંખ્યું.
જીવનનાં શિલ્પ પર કોણે ઉંમરનું આવરણ નાંખ્યું.
કૃપા એવી કરી કે, બે'ક ટીપાં પ્રેમનાં ઢોળી -
ખુદાએ દૂધ જેવી જિંદગીમાં મેળવણ નાંખ્યું !
દિવસભરનાં દરદને ભૂલવા કાયમ ચીવટ રાખી -
અમે આ આયખામાં સાંજનું વાતાવરણ નાંખ્યું !
અદબથી આ કવિતા સૌ સમક્ષ ઢળતી રહે તેથી ,
કલમમાં ડૂબતા સૂરજનું મેં છેલ્લું કિરણ નાંખ્યું.
ઘણા વર્ષો થયા, ભૂલી ગયો'તો નામ હું સ્નેહલ ,
તમે કીધું તો મક્તામાં ઉમેરી એ ય પણ નાંખ્યું !
- સ્નેહલ જોષી
No comments:
Post a Comment