Thursday, 17 August 2017

ગીત

રાધાનું ગીત....

ઓ કાહ્ના તે મારી એકેય વાત નહીં સાંભળી...
જમનાના નીર જેમ વહેતા રહ્યાં છે એમ વહેતી રહી છે મારી આંખડી....ઓ કાહ્ના.....

ગોકુળ તો ગોપી છે, માખણ છે, મોરપીંછ, સૂના સરોવરની પાળ
ટોળે વળીને હજી ઉભું છે ગામ તને મળવા તું હૈયું તો ઢાળ!
વગડાઉ મારગડે વાગુ છું એમ જેમ ખાલીખમ જંગલની વાંસળી....ઓ કાહ્ના....

આંખોએ કીધેલી વાતો હજીયે મને દર્પણમાં જોઉં તો સાંભરે
ગમતો પડછાયો તું ચોરી ગયો ને હવે શ્વાસો જપે છે તારું નામરે
ગોવર્ધન કરતાં યે ભાર મારા મનનો, લે ઉચકી શકે ના તારી આંગળી....ઓ કાહ્ના.....

વહેલાં પરોઢીયે જોયેલાં શમણાંઓ લાગ્યાં કરે છે હવે સાચા
ગાયોના ધણ હજી વેળા વળીને તોય વળ્યાં નથી રે કેમ પાછા?
મોરપીંછ આપીને ઓઢાડી જાત તને, ઉતરશે કદીયે ના કાંચળી..
ઓ કાહ્ના..તેં મારી એકેય લાત નહીં સાંભળી

....વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment