આશની અટકળ લઈ ઉભા તમે,
સ્નેહની સાંકળ લઈ ઉભા તમે.
જાત બાળી ઘર અમે અજવાળ્યું ત્યાં,
અશ્રુની ઝાકળ લઈ ઉભા તમે.
નજરું ના લાગે તમારી એટલે,
ટેરવે કાજળ લઈ ઉભા તમે.
કેટલું તરસ્યા અમે અજવાસ કાજ
ઉંબરે જળહળ લઈ ઉભા તમે.
આ પરાકાષ્ઠા કેવી છે પ્રેમની,
આંખમાં કાગળ લઈ ઉભા તમે.
થોડું ભીંજાવા અમે રાજી થયા,
તરબતર વાદળ લઈ ઉભા તમે.
માન્યું કે પથ્થર અમે મંદિર તણા,
હાથે કા શ્રીફળ લઈ ઉભા તમે.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment