Tuesday, 29 August 2017

ગઝલ

સ્તબ્ધ થીજેલી ક્ષણોનો ભાર લઇ હું ક્યાં ફરું?
શુષ્ક સંબંધોનો મુંગો માર લઇ હું ક્યાં ફરું?

વાત કરતાં'તા અહિંસાની છડેચોકે બધાં,
શબ્દના મારે છરા, એ વાર લઇ હું ક્યાં ફરું

જોમ ખૂટ્યું સ્કંધમાં, શ્વાસો હવે હાંફી ગયાં,
એજ ઉષ્માહીન કરનો ઠાર લઇ હું ક્યાં ફરું.

તાલમિત્રો છે હજારો, મિષ્ટ બોલી સૌ તણી,
આંખથી તણખા ઝરે, એ ખાર લઇ હું ક્યાં ફરું?

સ્વપ્ન વાવ્યા'તા, હતી આશા; ઉજાગર એ કરીશ,
એ ગયાં ધરબાઇ, સૂકી હાર લઇ હું ક્યાં ફરું.
ડો. જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment