*અસબાબ*
વતનની વાટે
કેટલુંય છૂટી ગયું.....
ઘણી યાદો ને ઘણી ફરીયાદો,
ક્યાંક હજુ પાછા બોલાવતા રહ્યા એ સાદો,
કેટલો ભરચક હતો એ ભર્યા ભાવમાં
અને આજ જીવી રહ્યો જોને અભાવમાં,
ઘર, આંગણ, ફળિયું,
ને રોકતું હતું એ દેશી નળીયું,
લંગોટીયા મિત્રોની યારી,
મા - બાપુ ને નાનકી બેના પ્યારી,
ઘરનો ઝાંપો, ગામનો ચોરો - ચબૂતરો,
પાદરનો પીંપળો, ખેતરોની પગદંડી,
તળાવની પાળ, વગડાના ઝાડ,
નદીના રેતાળ પટ....કૂવા-વાવ તણાં પનઘટ,
કેટલું બધું જીવાતું હતું મારા અસબાબમાં?
ક્યાં રહ્યું.....?
હવે ઘુંટાતો જીવી રહ્યો આ ફ્લેટની
ચાર દિવારમાં, ફર્નિચર , સોફાસેટ,
ને નાની-મોટી ઘરવખરી સાથે,
શહેરની ગૂંચવાએલી
ગલીઓમાં અથડાતો અટવાતો
દોડી-હારી સાંજે થાકીને આવી જતો,
બેસી જતો ધરની અગાસીમાં પડેલી
આરામ ખુરશીમાં,
સ્મરણોનો અઢળક કાફલો આવી ચડતા
હલબલાવી મુકતો મુજને,
કહેતો રહેતો ભીતર ભીતર,
ક્યાં ખોવાઈ ગયો...... સા'બ
એ રૂડો .. અસબાબ?
શું આપી શકું હું?
એ સવાલનો જવાબ......?
*~મનુ.વી.ઠાકોર 'મનન'*🍃
No comments:
Post a Comment