*છંદ :- તોટક*
કર ચક્ર ધરે કર પદ્મ ધરે,
મુખ સ્મિત અને સુર વેણુ ધરે,
કુળ યાદવ છે થઈ ગ્વાલ ફરે,
શિર પંખ મયૂર શ્રી કૃષ્ણ હરે,
પજવે ફરતી સહુ ગ્વાલણને,
મટકી ભરતી લઈ માખણને,
પથરો મટકી પર ઘાત કરે,
થઈ માખણચોર શ્રી કૃષ્ણ હરે,
યમુના તટ કાલિયને લડતાં,
કદી સંગ સખા રમતાં પડતાં,
વન ગોપ સખી સહ રાસ કરે,
રુપ એક અનેક શ્રી કૃષ્ણ હરે,
ગમને બલરામ સહી મથુરા,
જઈ કંસ રણે હણતાં તે ધરા,
કદી બૌદ્ધ બની ઉપદેશ કરે,
સચરાચર નામ શ્રી કૃષ્ણ હરે,
રગમાં રજમાં જગમાં ઘટમાં,
વસતાં ભગવાન શિશું હઠમાં,
કદી કીટક તો રુપ વ્રાહ ધરે,
પરમો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ હરે.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Thursday, 17 August 2017
છંદ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment