Thursday, 17 August 2017

ચોપાઈ

*🌹જન્માષ્ટમીની આપ સૌને હાર્દિક શુભકામના🌹*

*છંદ :- ચોપાઈ*

ભાણો કરશે તારો ધ્વંસ, સૂણી વ્યાકુળ મામો કંસ,
બેની જાયે કારાવાસ, ભાઈ લેતો શાંતી શ્વાસ ||

અકળાયો છે મામો કંસ, ના જીવે દેવકીનો વંશ,
દેવકી રોવે અનરાધાર, સ્હેવાતો ના ચિંતા ભાર ||

મધરાતે જન્મે છે બાળ, સૈનિક સૂતાં ઢોલ્યાં ઢાળ,
પુષ્કળ વર્ષા ત્યારે થાય, નંદો બાળક લઈને જાય ||

પદ્મ નયન ને વાંકા વાળ, જોવો ગમતો નાનો બાળ,
કાળો કામણગારો વાન, યશોમતીનો વ્હાલો ક્હાન||

માથે ધરતો પીંછું મોર, નટખટ કાનો માખણ ચોર,
વનમાં ભમતાં ચારે ગાય, સંગે મિત્રો ટોળી જાય ||

ગોપી સંગે રમતો રાસ, ઘટઘટમાં છે એનો વાસ,
જયારે વાગે બંસી ધૂન, તલ્લીન સૂરો વે'તાં સૂન ||

રાધાનો એ જોડીદાર, અરજણ દીધો ગીતાસાર,
દ્રૌપદીનાં પૂરીને ચીર, બદલો આપે થઈને વીર ||

ગોકુળ આઠમ આવી આજ, હૈયે હર્ષોલ્લાસી રાજ,
આજ 'અકલ્પિત' ગાતો જાય, સૌ મિત્રોનું મંગળ થાય ||

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment