પર્વત સૂતા છે, કોઈ ઝરણ સળવળ્યું નથી
વ્હેતા થવું એ સપનું છે, સપનું ફળ્યું નથી
ટોચે અડી સર્યું ને સીધું ખીણમાં પડ્યું
એ સૂર્યનું કિરણ હજુ પાછું વળ્યું નથી
લઈ હાથમાં ઉછાળે, રમાડે શિશુની જેમ
પણ આજ આ પવનને, હા, તરણું મળ્યું નથી
અમૃત કહે છે જેને હશે ચીજ આ કદાચ
ઝરણાનાં જળ સમું મને ગળપણ મળ્યું નથી
આકાશ, વૃક્ષ, બર્ફ, નદી, ખીણનમ ને શિખર
સૌ બોલ, બોલ, બોલ... ને તે સાંભળ્યું નથી !
-- હર્ષદ ચંદારાણા
( " હાથની હોડી " માંથી સાભાર )
No comments:
Post a Comment