Monday, 14 August 2017

ગઝલ


અમારો દેશ છે ભારત

સમજતા નહિ અમારા દેશને ધરતીનો એક ટુકડો............

સિતારા જેમ ઝળહળતો અમારો દેશ છે,ભારત ;
હિરામાફક હા ઝગમગતો અમારો દેશ છે,ભારત ;
બધા રંગોના ફૂલો છે બધી ડાળો ના પંખી છે ;
બગીચા જેમ મધમધતો અમારો દેશ છે ,ભારત

સમજતા નહિ અમારા દેશને ધરતીનો એક ટુકડો ......

અમારી આન એમાં છે અમારી શાન એમાં છે ;
જગત આખાની આંખો ખોલતું હા જ્ઞાનએમાં છે ;
અમારા દિલ જીગર એમાં, અમારી જાન એમાં છે;
ખુદા એમાં અમારો છે અને ભગવાન એમાં છે.
            
સમજતા નહિ અમારા દેશને   ધરતીનો એક ટુકડો ......

અહીં ટાગોર ગાલિબને ઝફર બિરબલને ભામાશા ;
અહીં મીરા અહીં સીતા અહીં રઝિયા અને રાધા;
કબીર અહીંયા રહીમ અહીંયા ,અહીં ગાંધી  ને ટેરેસા ;
મહાવીર પણ અહીં નાનક અહીં ગૌતમ અને ખ્વાજા .
            
સમજતા નહિ અમારા દેશને   ધરતીનો એક ટુકડો ......

અહીં સંગીતના સૂરો અને છંદો કવિતાના ;
અહીં નૃત્ય છે વિજળીના અને ગીતો સરિતાના ;
અહીં કવ્વાલીની મસ્તી અને રમઝટ છે ગરબાની ;
અહીં કુરઆનના કલમા અને શ્લોકો છે ગીતાના.

સમજતા નહિ અમારા દેશને   ધરતીનો એક ટુકડો ......

અમે પાતંજલિ ના યોગસૂત્રો વિશ્વને આપ્યા
અમે વાત્સાયયન કામસૂત્રો વિશ્વને આપ્યા
કળા , સંગીત , નૃત્ય , શિલ્પ , ઔષધ , અંક  કે જ્યોતિષ ;
અમે સઘળા વિષયના જ્ઞાનસૂત્રો વિશ્વને આપ્યા .

સમજતા નહિ અમારા દેશને ધરતીનો એક ટુકડો.........

સૂવે સૌ નામ લઈ ઈશ્વરનું ને એ લઈને જાગે છે ;
ભિખારી પણ અહીં ઈશ્વરના નામે ભીખ માંગે છે ;
અહીં ઈશ્વર માં લોકો એ હદે વિશ્વાસ રાખે છે ;
હલે જો પાંદડું તો એનું શ્રેય ઈશ્વરને આપે છે.

સમજતા નહિ અમારા દેશને   ધરતીનો એક ટુકડો ......

બધાયે પી શકે છે પ્રેમથી એ જામ છે ભારત ;
નમન કરવાનું મન થાએ એ પાવન નામ છે ભારત ;
બીજાની દ્રષ્ટિમાં  'કાયમ ' ભલે એ દેશ હો કિન્તુ ;
અમારી દ્રષ્ટિમાં તો એક તિરથધામ છે, ભારત.

સમજતા નહિ અમારા દેશને   ધરતીનો એક ટુકડો ......

કાયમ હઝારી

No comments:

Post a Comment