મોરપિચ્છનો ભાર કેવો હોય છે
જા પૂછ માધવને,
ને પ્રણયની ધાર કેવી હોય છે
જા પૂછ માધવને.
નીકળ્યા ના આપણે તો ઊંબરથી
સ્હેજ પણ આગળ
વિસરી જવાના ઘાવ કેવા હોય છે
જા પૂછ માધવને
શ્વાસમાં ગોરજ ઘુંટીને પાંપણે
એ હેત ઉંચકતો
ઝુકી જવાના લ્હાવ કેવા હોય છે
જા પૂછ માધવને
બંસરીના વીંધ એની એકલીના છે
એવું કોણ ક્હે છે
કણેકણનાં ડામ કેવા હોય છે
જા પૂછ માધવને
અહીંથી તહિ ને તહીંથી અહીં
ઓધવ શું રળ્યા
રાધાજીના ધામ કેવા હોય છે
જા પૂછ માધવને
આપણી તો જાતનેય વીંધતા
ક્યાં આવડ્યું
રણવચાળે સાર કેવા હોય છે
જા પૂછ માધવને
કેટલી ખારાશ લઇ વહી જાય
આ કાલિન્દરી
આંસુઓના માર કેવા હોય છે
જા પૂછ માધવને
--ડાૅ.બલભદ્રસિંહ રાઠોડ
Wednesday, 23 August 2017
ગઝલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment