*છંદ : હરિગીત*
*(પ્રલય - ત્રીજી આંખ)*
ગરજે કડડકડ આભ વિજળી ને ચમક થાતી હશે,
ઘનઘોર કાળી રાતડીમાં જાન ખેંચાતી જશે,
એ નાદ ડમરું ગાજશે ને કાળ સૌનો બોલશે,
તાંડવ થશે શિવ શંકરાનું આંખ ત્રીજી ખોલશે,
છે પ્રેમનું જે નામ જગમાં ધૂળધાણી થઈ જશે,
સાથે કવન જે પ્રેમનું છે ધૂળમાં મળતું હશે,
યમરાજનો ફરશે સપાટો લેખ ત્યારે બોલશે,
તાંડવ થશે શિવ શંકરાનું આંખ ત્રીજી ખોલશે,
સૌ બાળ, નર ને નાર સહિતે નીંદમાં પોઢી જશે,
ધગધગ થતાં એ સૌર તાપે આગમાં બળતાં હશે,
રોકી ન શકવું જોઈ રહેવું જ્યાં વિવશતાં બોલશે,
તાંડવ થશે શિવ શંકરાનું આંખ ત્રીજી ખોલશે,
ધરણી ધમકશે ફાટશે ને નાશ સૃષ્ટિનો થશે,
પૃથ્વી થશે શૂન્યાવકાશી જીવ લુપ્તી થઈ જશે,
ચારે તરફ પાણી અને વન એ કહાણી બોલશે,
તાંડવ થશે શિવ શંકરાનું આંખ ત્રીજી ખોલશે,
શાને કરે છે માનવી તું હાય ધનને પામવા,
આવે નહીં એ કામ તારા કાળ બળને ડામવા,
થાશે ભયંકર હાલ તારાં લાઠી ઈશની બોલશે,
તાંડવ થશે શિવ શંકરાનું આંખ ત્રીજી ખોલશે.
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 29 August 2017
છંદ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment