તમે રે સુંદરવનના સૂડલા
અમે તો તમ કંઠનો કિલકાર:
અમે રે બે'ની ને તમે બંધવા
મનના મળ્યા તારેતાર!
એક રે ક્યારીમાં દોનોં મહોરિયાં.
તમે રે ઘુઘરિયાળી ઝાંઝરી
અમે તો એક ઝીણેરો ઝંકાર:
અમે રે બંધવ તમે બે'નડી
મનના મળ્યા તારેતાર!
એક રે ક્યારીમાં દોનોં મહોરિયાં.
તમે રે છત્તર અમે છાંયડી
અમે ધારીએ તમારો આકાર:
અમે રે બે'ની ને તમે બંધવા
મનના મળ્યા તારેતાર!
એક રે ક્યારીમાં દોનોં મહોરિયાં.
તમે રે મીઠેરા જળની વાવડી
અમે તો એક પથ્થરના પગથાર:
અમે રે બંધવ તમે બે'નડી
મનના મળ્યા તારેતાર!
એક રે ક્યારીમાં દોનોં મહોરિયાં.
તમે રે મહિયરગઢના મોરલા
અમે તો એ ગઢની કિનાર:
અમે રે બે'ની ને તમે બંધવા
મનના મળ્યા તારેતાર!
એક રે ક્યારીમાં દોનોં મહોરિયાં.
- બાલમુકુન્દ દવે
No comments:
Post a Comment