Tuesday, 8 August 2017

ગઝલ

ચ્હેરે ઓઢી લાખ ઉદાસી, એક સુનેરી પંખી બોલે,
ગજવે ઠાંસી આજ ખુમારી, એક સુનેરી પંખી બોલે

શું આ પિંજર મારી દુનિયા? હરવું ફરવું મારે પણ છે!
ખુલ્લું જો આકાશ બતાવી, એક સુનેરી પંખી બોલે!

કલરવ ક્યાંથી નિતરે કંઠે, ડૂમો બાઝ્યો છે જો કોટે,
કાગારોળ કરે એ તડપી એક સુનેરી પંખી બોલે.

બારીનો ગોખ કુવા ખાંચો ને ખેતર, વાડી, પાદર શેઢો,
ક્યાં શોધું લે હૈયું કૂટી એક સુનેરી પંખી બોલે.

નીલું નભ શમણે ભાસે ને ધૂમાડાના ગોટેગોટા,
તરફડતું  દિલ આજ વલોવી, એક સુનેરી પંખી બોલે

વૈમનસ્ય એવું કેવું કે છીનવ્યો જીવન હક મારો,
હૈયું ફાડી શીશ ઉઠાવી, એક સુનેરી પંખી બોલે

વૃક્ષો કાપ્યઃ, તોડ્યા માળા, ક્યાં મારો સંસાર વસાવું?
હક ને માટે  ગામ ગજાવી, એક સુનેરી પંખી બોલે.

કલરવ નું કાસળ તેં કાઢ્યું ને ટહુકા ને દીધો ટુંપો!!
ધ્રૂજતા પીંછા ને ફરકાવી, એક સુનેરી પંખી બોલે.

ફેંકી દેતો રોજ સળીઓ, લાવું વીણી વીણી હું જો
આક્રંદ કરતું, માથુ પછાડી એક સુનેરી પંખી બોલે
ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment