Tuesday, 8 August 2017

ગીત

હળવે હળવે ડાળ હટાવી એક સુનેરી પંખી બોલે.
ઝળહળ ઝળહળ ઝાકળ આવી એક સુનેરી પંખી બોલે.

આંખોમાં અજવાસ સજાવી એક સુનેરી પંખી બોલે.
ભીતરનો અંધાર મિટાવી એક સુનેરી પંખી બોલે.

સૂરજ સામે આંખો કાઢી તેજ ઉછીનું લાવ્યું છે,
પગલે પગલે તેજ વહાવી એક સુનેરી પંખી બોલે.

સાંજ સવારે મારી ભીતર ગુંજે છે આ ટહુકા બહુકા,
ને ધીમેથી પાંખ હલાવી એક સુનેરી પંખી બોલે.

આગળ આગળ ચાલ્યો જા તું, રસ્તો મારગ આપી દેશે,
એવો કૈં વિશ્વાસ જગાવી એક સુનેરી પંખી બોલે.

અદિશ

No comments:

Post a Comment