Friday, 18 August 2017

ગઝલ

આંખોમાં ટીપાં આંજતાં, સપનાં લીલાં થયાં,
ઊગ્યા ફરીથી પગ,  ફરીથી ચાલતા થયા.

જાણે શરીર વીજનું રહેઠાણ છે હવે,
વાયર ન હોય એમ રુવાડાં ખડાં થયાં.

ચંપલમાં ચોંટી ઠેસને ખંખેરવા મથું,
કરવા મદદ જમીનથી રસ્તા ઊંચા થયા.

ઘરના ખૂણે-ખૂણે ફરો એવા ઉમંગથી,
જે રીતે દૂરના સ્થળે ફરવા જતા થયા.

લાગી છે અમને પેટમાં કે કંઠમાં તરસ?
પાણી પીધું ને ત્યાં બધા પ્રશ્નો ભીના થયા.

થીજી ગયેલા થાકનું સૌંદર્ય છે અપાર,
હિમથી લચીને પર્વતો બિલકુલ નવા થયા.

- કુલદીપ કારિયા

No comments:

Post a Comment