Wednesday, 27 September 2017

ગઝલ

શું પ્રણયનાં વ્રણ હશે તો ચાલશે ?
કો' હ્રદયમાં પણ હશે તો ચાલશે ?

જિંદગીમાં ના હશે કોઈ ભલે,
તારું સંભારણ હશે તો ચાલશે !

આવશે જો એક દિન જીવનમાં તું ,
બાકી આખું રણ હશે તો ચાલશે !

બાળકો મોટાં ભલેને થઈ ગયાં !
ભીંતે ચિતરામણ હશે તો ચાલશે !

બસ, તમે તો છોડીને ચાલ્યાં ગયાં !
રાહ જોતું જણ હશે તો ચાલશે ?

જિંદગી ખુદ પ્રશ્ન કોઈ માટે તો ,
ના બીજી અડચણ હશે તો ચાલશે !

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment