Tuesday, 26 September 2017

સોનેટ

'પેટી'..સોનેટ..શિખરણી.

ચલો ખોલો પેટી,મૂકી હતી જ મા એ અલગથી,
હશે શું? એમાં જે ,જુદું કરી ઘણું બ્હાર મૂકતી,
ઘણી વ્હાલી સાડી, વળી ચમકતી ચુંદડી મળી,
હતી મોંઘી મૂડી,સલવટ મહીં સાચવી મૂકી.

અજંપાની સાથે, કુતૂહલવશે સૌ ઉકલતા,
જરા ખંખેર્યા તો, ફર ફર થઈ નોટ વરસા,
ઘણી નોટો કોરી, ઘણી ખરી હતી ગોળ ભૂંગળું,
છુપાઇ સૂતું'તું, ખણ ખણ થતું એક ડબલું.

જરા ખૂંધુ પેટી, સ્વયમ હસીને એમ વદતી;
'કદી કાયા વીંધી, કદી સમયની કાંતી ચરખી,
અને દેતી ગૈ છે,લખલુંટ જુઓ સ્નેહ ઝરણું,'
સુણી બોલી ઉઠ્યાં; 'કરકમલ પંપાળી સઘળું.

'જીવી ત્યાં સુધી 'મા', ફરજથી  કદી ના હટી હતી,
અને છેલ્લે મૂકી, ગઈ ઘણું જ નિહાલ કરતી'.

       પારુલ બારોટ.

No comments:

Post a Comment