મળી આજ રસ્તે તમારી સહેલી.
મને યાદ આવી તમારી હવેલી.
ઉકેલી શકો તો ઉકેલો તમે પણ-
પૂછી જિંદગીએ નવી આ પહેલી.
નજરથી નજર જ્યાં તમારી મળેલી.
મને યાદ આવ્યા એ ચંપો ચમેલી.
હતું દ્રશ્ય કેવું મનોહર મનોહર,
નજર સ્હેજ તિર્યક ને પાંપણ નમેલી.
અદા ઓઢણીની હ્રદયમાં વસી તો,
હવા થઇને વાતો નગરમાં ફરેલી.
તમારા જીવનનો પુછ્યો હાલ જ્યારે,
તમારી સહેલી જરા બસ હસેલી
ઘણી વેદનાઓ દબાવીને ભીતર,
જુઓ એક ચંપાની ડાળી ઢળેલી.
ક્ષણોના હિસાબો ના કરતા અદિશજી
પરત આવશે ના ક્ષણો એ ગયેલી.
અદિશ
No comments:
Post a Comment