Tuesday, 26 September 2017

અછાંદસ

અછાંદસ: સિસ્ટમ અપડેટ

"24 એપ્લિકેશન ઇઝ પેન્ડિંગ ફોર અપડેટ!"

ફોન ખોલતાંની સાથે જ ચમકતાં એ મેસેજને
હું રોજ વખોડતી
ક્યારેક જોરથી બરાડતી..
હા..પેલા મીડીયાનેય
રોજ ભાંડતી,

"નવરા છે સાવ..
પછી કંપનીઓ વધારશે ભાવ.."

એ સાંભળતા જ મોબાઈલના
હૃદયમાં પડ્યો ઘાવ,
એને ચડયો મગજનો તાવ.

"યોર મોબાઈલ ઇઝ ગોઇંગ ટુ શટ ડાઉન."
મારા આશ્ચર્ય વચ્ચે ખરેખર એ સુઈ ગયો.
આ તરફ
મારી રોજની દિનચર્યાને મેલેરિયા થઈ ગયો.
હાથ પગમાં ખાલી ચડી..
આંખ મારી સ્ક્રીન જોઈ રડી..

ફરી મેં મોબાઇલ સ્વિચઓન કર્યો..
બે પપ્પીઓનો પ્રસાદ ધર્યો..

આ ફેરી મેસેજ હતો..

"સિસ્ટમ અપડેટ.. સિસ્ટમ અપડેટ.."

અરે! આ તો આખી સિસ્ટમ અપડેટ માંગે..
વચ્ચે વચ્ચે પાછો કોઈ રાગ બેસુરો વાગે..
મેં તરત જ અપડેટ કરવા ફોનને મંજૂરી આપી.
બેટરીને ચાર્જર જોડે ફટાફટ ચાંપી..
ત્યાં બીજો મેસેજ..

"ચેક યોર ઈન્ટરનેટ કનેક્શન એન્ડ રિકવાયર્ડ બેટરી.."

મેં બરાબર ધ્યાન રાખી,
એણે જે કહ્યું એમ કર્યું.
રીતસરની પલાંઠી લગાવી,
જાણે હરિનું ધ્યાન ધર્યું.

"અપડેટ સ્ટાર્ટ.. સ્ટે અવે ફ્રોમ મોબાઈલ એન્ડ ડોન્ટ ટચ એની અધર ફંક્શન..ટીલ વી કમ્પ્લીટ ઇટ."

એક ઝબકાર મારા મગજમાં પણ થયો..

સ્માર્ટ માણસે સ્માર્ટ ફોન બનાવ્યો..
તો જગતને બનાવનારની શું વાત કરવી!

જો આવી જ ક્રિયા,

એના દ્વારા અમુક માસે
એના મનગમતા વાસે
ને એના ચીંધેલા ચાસે
હાથ ધરવામાં આવે તો..!

-શીતલ ગઢવી"શગ"(સુધારીને)

No comments:

Post a Comment