ગઝલ
એમનું કો પ્રણ હશે તો ચાલશે,
જિંદગી એ વણ હશે તો ચાલશે.
શર્ત મારી કે રહો સાથે પછી,
લીલું છમ ભવરણ હશે તો ચાલશે.
આશ છે પમ્પાળવાની તે છતા,
આપનાથી વ્રણ હશે તો ચાલશે.
ઘુમટાનું આવરણ છો ને રહયું,
હાજરી હર ક્ષણ હશે તો ચાલશે .
છો લીલાછમ વૃક્ષના છેદન થયાં ,
બારણે તોરણ હશે તો ચાલશે.
સ્વપ્ન તમ સહ જીવવા સેવ્યાં હતા ,
કાશ, સઁગ મરણ હશે તો ચાલશે.
પીઠ થાબડવાની આશા ક્યાં રહી ?
આપ હાથે ઘણ હશે તો ચાલશે.
મુર્ખ મિત્રોએ અહીં ઘેર્યો મને,
શત્રુ વિચક્ષણ હશે તો ચાલશે.
'શબ્દશિલ્પી'ની હથોડી પેનની,
કાગજી એરણ હશે તો ચાલશે.
શીલા મહેતા ( શબ્દ શિલ્પી )
No comments:
Post a Comment