મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે
ભાવપૂર્વક
સત્યનો પ્રયોગ (ગઝલ)
એવા વિચારો ના દે અળગા જે સત્યથી હો.
સંકલ્પ એવા આપ કે મોટા જે સત્યથી હો.
ઊંચા અવાજોમાં ભરેલું ના અસત્ય દે,
પડઘા જ; હા, પડઘા જ દે પડઘા જે સત્યથી હો.
સીધી દિશામાં સત્ય વિચરતું ભલે ન હો,
કિન્તુ ન એવા માર્ગ દે, અવળા જે સત્યથી હો.
ના શ્વાસ એવો જોઇએ જેમાં અસત્ય હોય,
જીવન અધૂરું હો ભલે; પણ હા, એ સત્યથી હો.
નિશ્ચિત કરો જો ચાલવાનું આ તરફ સદા,
પડશે તમારા માર્ગમાં પગલાં, જે સત્યથી હો.
મારું - તમારું પોતપોતાનું આ સત્ય છે,
ચાહો તમે તો પ્રાપ્ત છે નક્શાં, જે સત્યથી હો.
અધરો અધરનું સત્ય આ સ્નેહલ નથી ગમતું,
એથી ગઝલમાં આ રચ્યો મક્તા, જે સત્યથી હો !
- સ્નેહલ જોષી
( સૂર્યનો સંદર્ભ, પૃ. ૮૯ )
No comments:
Post a Comment