Thursday, 19 October 2017

અછાંદસ

આ દિવાળીએ
ખુદની અંદર
બાઝેલા જાળાને
સાફ કરવાનું
અભિયાન હાથ ધર્યુ !

સફાઈ ચાલું કરતાં જ
વર્ષો પુરાણું
મનનાં માળિયે
બાઝેલું
કડવી યાદોનું
જાળું ખર્યું !

સાવરણી આમતેમ
હલાવતાં
અંતરનાં ઓટલે
જામેલું
ફરિયાદોનું
જાળું સળવળ્યું !

ઝાપટિયાની
હડફેટે આવતાં
જન્મભરનાં
જખમોનું
જાળું મળ્યું !

જાળા ને બાવા
ખોરવતાં ખોરવતાં
જાણે
ખુદને લાગેલું
કટાયેલું
તાળું
ખૂલ્યું !!

જાણે
ખુદને ખુદા
તરફ
વાળવાનું
એક
અભિયાન
સંપન્ન થયું  !!!
       *-મનિષ રાવલ.*

No comments:

Post a Comment