*=== થાય કંઇ ===*
ભીનો સમય પણ પ્રેમમાં બરબાદ થોડો થાય કંઇ?
સમજ્યા વગર એકાંતમાં સંવાદ થોડો થાય કંઇ?
જાતે પગે ચાલીને તારે ગામડે જાવું પડે
પંદરમાં માળે બાલ્કનીથી સાદ થોડો થાય કંઇ?
લાબા કને ટૂંકો પડું, ટૂંકા કને લાંબો પડું,
આવો બધે વ્યવહારમાં વિવાદ થોડો થાય કઈ?
પંખી વગર ટહુકો નથી, વૃક્ષો નથી, ઉપવન નથી,
એવોને એવો પર્ણથી તે નાદ થોડો થાય કંઇ?
તારે પ્રણયના દિવસો ગણવા જ હો તો ગણ બધા,
પ્યારે સનમ, રવિવાર એમાં બાદ થોડો થાય કંઇ?
વસ્ત્રો ભીનાં બારી ઉપર ત્યાં એમણે સુકવ્યાં હશે,
નીચે સુગંધિત આ રીતે વરસાદ થોડો થાય કંઇ?
સપનાં બધાં ક્યાંથી હતાં કોનાં હતાં કેવાં હતાં?
‘મંથન’ હવે આંખો કને આ વાદ થોડો થાય કંઇ?
== મંથન ડીસાકર (સુરત)
Saturday, 14 October 2017
ગઝલ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment