એક ડોક્ટરે લખેલી કવિતા , કોઈ ટીકા- ટીપ્પણ વિના :
********
"સાહેબ તમારી પ્રેક્ટીસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે,
અમારા કુટુંબના દરેક જણે કોઈ ને કોઈ રોગ રાખ્યો છે;
સગાં જે આજે 'સ્વ.' છે એ બધા જયારે 'શ્રી' હતા,
યાદ કરો સાહેબ કે તેઓ તમારા જ દર્દી હતા;
ડ્રોઈંગરૂમમાં એમના ફોટા પર જે જે હાર લટકે છે,
આમ જોઈએ તો સાહેબ એ તમારી જ સારવાર લટકે છે;
ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે,
કુટુંબના દરેક જનમ-મરણમાં તમારો હાથ હોય જ છે;
સાહેબ તમારા પાસે જે સારા મા સારી ગાડી છે,
એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે;
તમારા ઘરના ફ્લોર પર જે જે આરસના ટાઈલ્સ છે,
તે અમારા ઘરના સ્ટોન, અપેન્ડીક્ષ અને પાઈલ્સ છે."
-ડૉ. શ્યામલ મુન્શી
No comments:
Post a Comment