Saturday, 4 November 2017

ગઝલ

સમયના સોગઠાને શબ્દમાં ઢાળી નથી શકતાં,
અમે અધવચ્ચે આખ્ખો ખેલ સંભાળી નથી શકતાં.

અમે પોતે જ પોતાનાથી કંટાળી નથી શકતાં,
કહે છે કોણ  એ ઈચ્છાને પંપાળી નથી શકતાં.

અમારામાં સતત અવઢવ રહે છે આ અને અથવા,
અને આ ચોકમાં સિક્કાને ઉછાળી નથી શકતાં.

સતત અથડાયા કરવાનું કદી કારણ ન સમજાયું,
અહીં પગમાં પડેલાં તેજને ભાળી નથી શકતાં.

જનમગત આ તમસલોકે અમે કૈં કાળથી વસીએ,
અને એવું થતું અહીં રાતને ગાળી નથી શકતાં.

અમારી ચોતરફ પથરાય ઝળહળ તેજ કોનું આ,
અમે કોનાં સ્મરણનું મીણ ઓગાળી નથી શકતાં.

બધાને પોતપોતાનું આ અંધારું જ પીડે છે.
તમસના જીવ ક્યારેય સૂર્ય નિહાળી નથી શકતાં,

      *ભરત ભટ્ટ*

No comments:

Post a Comment