Tuesday, 12 June 2018

ગઝલ

જીવ તાળવે

આ જમણે ફુગ્ગાઓને કોણ ભરે છે હરિયા?
આ ડાબી બાજુ લબડબ કોણ કરે છે હરિયા?

આ બબ્બે સૂરજ સળગાવ્યા કોણે આંખોમાં?
આ બંધ બારણે ધબધબ કોણ ફરે છે હરિયા?

આ વાંસવન મહીં વાંસળીઓ ખોડી છે કોણે?
વીંધી વાંસળી સનનન કોણ સરે છે હરિયા?

આ પાંપણના બંધોના દરવાજામાં થઇને
શ્રાવણ ને ભાદરવો કેમ ઝરે છે હરિયા?

બાવન બારી બંધ કરી પૂર્યો જેને એ
જીવ તાળવે ચોંટયો કોણ હરે છે હરિયા?

- હરિ શુક્લ
  ૧૮ ૦૫-૨૦૧૬ / ૦૮-૦૫-૨૦૧૮

No comments:

Post a Comment