'ગીત '
ચાલ, આજે મન ભરીને બસ, પલળીએ,
મૂકીને આ છત્રી, છબછબિયાં કરીએ !
રોજ ક્યાં આવું પલળવાનું મળે છે ?
આપણું તો કોઈ ક્યાં કંઈ સાંભળે છે?
છે રજા, વર્ષાને આજે માણી લઈએ !
ચાલ, આજે મન ભરીને બસ, પલળીએ !
રંગબેરંગી આ કપડાં આજે પહેર્યાં ,
સપનાં પણ રંગીન કેવાં એથી મહોર્યાં !
મેઘધનુ પહેરીને આજે ચાલ, મળીએ !
ચાલ, આજે મન ભરીને બસ, પલળીએ !
લે, થયો વરસાદ તો આ બંધ પાછો,
આવતે કેવી મજા, પડતે જો આછો !
તો હવે બોલો, ઘરે પાછાં શું વળીએ ?
ચાલ, આજે મન ભરીને બસ, પલળીએ !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment