કહું છું સરેઆમ અંગત ખબર છે,
તમારા હૃદયમાં જ મારું તો ઘર છે.
નથી ક્યાંય બીજે ભટકતી હવેતો,
તમારી ઉપર બસ આ મારી નજર છે.
છુપાવો ના ચાંદા સરીખો આ ચહેરો,
તમારા થકી ચાંદની તરબતર છે.
છે મારી પળેપળ તમારા જ નામે,
આ રાતો તમારી, તમારી સહર છે.
તમે મારી રાધા ને હું કાન કાળો,
કહે વાંસળીમાં રહેલા આ સ્વર છે.
છો મંજિલ તમે જિંદગીની સફરની,
તમારી તરફ લઈ જતી હર ડગર છે.
નશો થઈ ચડે છે જો નજરો મળે તો,
સુરાથી ભરી શું તમારી નજર છે!
ગઝલ જો લખું તો તમે યાદ આવો,
આ કાગળ કલમ પર તમારી અસર છે.
નથી કોઈ ઈચ્છા હવે આમ બાકી,
તમે હા કહો એટલી બસ કસર છે.
ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'
No comments:
Post a Comment