ગીત ________________ હેમંત ગોહિલ "મર્મર "
આ તે કૌતુક કેવું ?
મીરાં કહે છે મોર ચણે છે ;રાણા કે' પારેવું .
પડી નગારે દાંડી ,ચહુદિશ શંખ ફૂંકાવા લાગ્યા ,
મીરાં મંદિર હાલ્યાં; રાણા રણમેદાને ભાગ્યા .
મીરાં કહે છે ઝાલરટાણું ; રાણા કે' યુદ્ધ જેવું .
___________________ આ તે કૌતુક કેવું ?
મીરાં ચંદન ઘસતા રાણા સમજ્યા કે તલવાર્યું ;
કુમકુમ તિલક ભાલે કીધું રક્ત્બિંદુ ત્યાં ધાર્યું .
મીરાં નીરખે નખશિખ મંદિર ,રાણાનું શું કહેવું ?
___________________ આ તે કૌતુક કેવું ?
રાણા કે' પથ્થરિયા ગઢ મેં કોર્યા ઠામેઠામ ,
મીરાં કે' સાગમટે આંગણ આવ્યાં શાલિગ્રામ.
મીરાં કે' વરસાદ પડે છે ;રાણા કે' છે નેવું .
___________________ આ તે કૌતુક કેવું ?
___ હેમંત ગોહિલ "મર્મર "
No comments:
Post a Comment