Wednesday, 6 June 2018

ગઝલ

એકસાથે મોજ લૂંટી છે બબ્બે સવાબની,
ઝાહીદના મોઢે ફેંકી છે બોટલ શરાબની.

ઊતરે છે ઘેન, સ્વાદ સુરાનો નથી જતો,
જીવનમાં ઊતરે છે કટુતા શરાબની.

બંનેમાં જે ખરાબી છે, ચિંતા વગરની છે,
વ્યસન નમાઝનું હો કે આદત શરાબની.

પીળી, સફેદ, લાલ અસર એક હોય છે,
જે એકતા છે એ જ છે રંગત શરાબની.

પીતી વખત તો હોય છે સૌ બાદશાહ સમાન,
ખીલે છે પીધા બાદ ગરીબી શરાબની.

છે ખાનદાની એટલે શોભાયમાન છે,
ખાલી હો કે ભરેલી હો બોટલ શરાબની.

જોવી છે? ચાલ જોઈએ જઈને 'મરીઝ'ને,
ખાલી અને તૂટેલી સુરાહી શરાબની.

મરીઝ સાહેબ

No comments:

Post a Comment