જુઓ જે બંધ આંખોથી એ હો સપનું હકીકતમાં,
ખુલી આંખોથી જોયેલુંય ક્યાં હોતું હકીકતમાં!
ખુદા સમજી નમાવો શીશ, જોડો હાથ, પણ યારો,
એ હોવાનું ફકત છળ કોઈ પથ્થરનું હકીકતમાં.
તમે સમજો તિરાડો જે,એ હોવાના ઉજરડાઓ,
ઝરણ જે નીકળ્યું, છે આંસુ પર્વતનું હકીકતમાં.
સમી સાંજે અહીં દેખાય આથમતો ભલે સૂરજ,
જગતના કોઈ ખૂણેથી છે ઉગવાનું હકીકતમાં.
ઘણાયે નામ છે એના કહો મા,આઈ કે મમ્મી,
ધરા પર રૂપ એ કોઈ છે ઈશ્વરનું હકીકતમાં.
ગઝલનું નામ દુનિયામાં બધાએ જેને આપ્યું છે,
ઘવાયેલા દિલોનું એ છે સરનામું હકીકતમાં.
ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'
No comments:
Post a Comment