કોઈ ગમતા સ્થાન જેવો છે સમય,
તું હો તો વરદાન જેવો છે સમય!
ના એ પાછો તો કદી આવી શકે,
આ ખરેલા પાન જેવો છે સમય!
છે અડીખમ આ હવેલી તો હજી,
ત્યાં વીતેલી શાન જેવો છે સમય!
પાલવે ના ખેડુને ગુમાવવો,
જાણે કિમતી ધાન જેવો છે સમય!
રેતીની ઘડિયાળમાં ખરતો રહે,
કાચઘરમાં બાન જેવો છે સમય!
કોઈ માટે જાણે એ થંભી ગયો,
યાદના અનુષ્ઠાન જેવો છે સમય!
બંધ આલ્બમના એ પૃષ્ઠોમાં સદા,
ખોલો તો ગુલિસ્તાન જેવો છે સમય!
એ ય પલળી જાય છે વરસાદમાં,
ત્યારે ભીનેવાન જેવો છે સમય!
જે બધું જાણે છતાં બોલે નહીં,
એવા કો' વિદ્વાન જેવો છે સમય!
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment