Monday, 15 October 2018

ગીત

ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાના જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…
ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડૂબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું;
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…
ધખધખતાં સપનાં જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…

– અનિલ ચાવડા

No comments:

Post a Comment