સ્થળ ઉપર જળ આવ્યું ને જળ ઉપર પરપોટો
કોણે આ તરકટ રચ્યું દાવો મંડાયો મોટો
અલખભેખ ધારી હવા આખે જગ ઘૂમી વળતી
સ્પર્શનું ભાન હોય તેને હળવે રહીને ચુમતી
ઢોળી અત્તર પ્રેમનું સતત સંપર્કમાં રેહતી
અદીઠા અંતરને અડી તાંતણે તાંતણે જોડતી
મહારથી એ મથી મથીને પ્રશ્ન ઉકેલ્યો મસમોટો
સ્થળ ઉપર જળ આવ્યું ને જળ ઉપર પરપોટો
અંતર ઊંડું મન છીછરું, ફૂલને ઝાકળ અળગા
નાભિથી નભ લગ વિસ્તરી, બાળો ઠુંઠા સમૂળગા
પલ વિપળનાં ચાસ પડ્યા છે અજવાળાને ઓઢો
રાત વીતે ને સવાર આવશે ભેદ ભરમને કાઢો
ભ્રમ નથી ભ્રમણા નથી તુ કેમ નથી પારખતો
સ્થળ ઉપર જળ આવ્યું ને જળ ઉપર પરપોટો
અસ્મિતા
No comments:
Post a Comment