Sunday, 28 October 2018

ગઝલ

ગઝલ – ધ્વનિલ પારેખ
સોળે સજ્યા શણગાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ
આ શબ્દના આધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વીંધી શકાતું હોય છે જ્યાં મત્સ્યને પળવારમાં,
ગાંડીવના ટંકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વરસાદ વરસી જાય તો એ ભોંય ફાડી પ્રગટે પણ,
આ વીજના ચમકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
રણકાર પર, ઝણકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

– ધ્વનિલ પારેખ

No comments:

Post a Comment