Sunday, 28 October 2018

ગઝલ

ઈશ્કમાં નાકામ થઇ,થઇ ગ્યાં છે અહીં માગણ ઘણાં,
ચાહવાનાં છોડવાનાં હોય છે કારણ ઘણાં.

જે ઉકાળી ના શક્યો ખુદનું જુઓને એજ તો,
અન્યનાં ચૂલે ચડાવે મોજથી આંધણ ઘણાં.

પાછલી બેંચે હજું બેઠો છે પાગલ પ્રેમલો
પ્રેમમાં છૂટી ગયાં છે એમનાં ધોરણ ઘણાં.

કોઈ પડછાયો જ ના આવે બલાનો આંગણે,
લાવ બાંધી દઉં ખુશીનાં બારણે તોરણ ઘણાં.

આમ ત્યાં બેસીને જોયા શું  કરે છે! કર ફિકર,
શ્યામળા હોમાય ગ્યાં છે તારા અહીં ગૌધણ ઘણાં.

આજ મારી આંગળીમાં છે હરખનો થનગનાટ,
હું ઉદાસીનાં વગાડી આવી છું પ્રાંગણ(ઢોલ)ઘણાં.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*ગાલગાગા 3/ ગાલગા*

No comments:

Post a Comment