Thursday, 25 October 2018

ગઝલ

સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.

તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.

ભૂતકાળની મહેફિલમાં ચાલોને જરા જઈએ,
જો આપ હશો સાથે ફરવામાં મજા મળશે.

દુનિયાનાં દુ:ખો તારો આઘાત ભુલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.

થોડાંક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.

સમજી લ્યો ‘મરીઝ’ એની સૌ વાત નિરાળી છે,
‘હા’ માં કદી ‘ના’ મળશે, ‘ના’ માં કદી ‘હા’ મળશે.

નક્કી અને નિશ્ર્ચિત છે રસ્તાનો કોઈ છેડો,
ગ઼મ કર ન ‘મરીઝ’ એનો જેઓ કે ગયા, મળશે.
– અબ્બાસ વાસી ‘મરીઝ’

No comments:

Post a Comment