Sunday, 24 March 2019

ગઝલ

*એક ગઝલ...*

કાં તો ગુલાબ આપો, નહિ તો જવાબ આપો.
નક્કર કશુક ભરેલી... એકાદ છાબ આપો.

ચાહી શકું હું તમને... એ કારણે ઋજુ છું,
નહિ તો પછીથી પાછો, મારો રુઆબ આપો.

ઘટનાનો આ જે પ્યાલો, ફિક્કો જરા થયો છે,
તો ભેળવી નજરને... આપો શબાબ આપો.

રાતો ઘણી અહીં તો... અંધારી થઇ ગઈ છે,
જો થઇ શકે તો આજે, બસ આફતાબ આપો.

આંસુ ખૂટી જવાની, ઘટના નવી નથી કંઈ,
તો સ્મિતને મઢાવી, મુજને નકાબ આપો.
~સાકેત દવે... 🌷
(ગાગાલગા લગાગા x 2)
[આફતાબ=સૂર્યનો પ્રકાશ, નકાબ=માસ્ક, શબાબ=યૌવન]

No comments:

Post a Comment