બ્હાર ગયો બિડાઈ અને હું ઊંડું ઊંડું ઊઘડ્યો
શિખર ઉપર રોકાઈ ગયો ત્યાં ઊંડી ખીણથી ગબડ્યો...
મૂળ વિનાનો માણસ હું તો સમજ વિહોણી શાખા,
આશાઓનાં જંગલ સળગ્યાં ઊભે ઊભાં આખા !
પાણી થઈ પથરાઈ ગયો ત્યાં પાંપણ પરથી દદડ્યો..
અર્થ વિના હું શ્વાસ શ્વસું ને અર્થ વિના ઊભવાનું,
ભર ચોમાસે બળી જવાનું તાપ વચ્ચે ઊગવાનું !
ખૂણો ખૂણો ફરી વળ્યો પણ હું જ મને ના જડ્યો....
અનિલ વાળા
સપનાંને ને આંખોને તો આભ-જમીનું છેટું... મારું બેટું !
ઈચ્છા યાને કાંઈ નથી પણ ચારો ચરતું ઘેટું... મારું બેટું !
અમથું અમથું ઊછળ્યાનો આનંદ ઉછાળો લાગે છે રળિયાત,
કૈં સદીથી કટાયેલ પેટીમાં પૂરી રાખી છે મેં અફવાયેલી વાત....
થાકીને છાંયે બેસું તો માથા ઉપર ખરતું વડનું ટેટું.... મારું બેટું !
પથ્થર ફાડી ઊગી નીકળતાં તરણાંના મૂંઝારા વિશે બોલો:
ઘરનાં આ મોભારા ઉપર બેઠો છે તે કેમ ચૂપ છે હોલો ?
છેક જીવના પત્તાળે જઈ કોક મારતું ફેંટુ... મારું બેટું !
અનિલ વાળા
લેસ્બિયન છોકરીનું ગીત*
તું માને છે ને માઇનસ માઇનસ ઈઝ ઇક્વલ ટુ પ્લસ ?
હું તારી છું તરવેણી ને તું બકુડી પ્હેલેથી છે મારી દુ:ખતી નસ...
તું માને છે ને માઇનસ માઇનસ ઈઝ ઇક્વલ ટુ પ્લસ ?
ગમે કાકડી-દૂધી જો દિલને શું કરવો ધત્તુરો ?
લઇ ભીંસમાં મને કરી દે આજે ચુરેચુરો !!
હું દીવાસળીની નહીં દેખાતી આગ, તું મારી સેફ્ટી બાકસ
I hate પ્લસની પાર વિનાની મુશ્કેલીનો જંગ
મારાંમાં આળસ મરડીને ઉભું અનંગ કેરું અંગ
એક-બીજીને અનંત જીવીને આપણે અેકબીજીને ચૂમવી છે તસતસ
- અનિલ વાળા
* કવિ શ્રી અનંત રાઠોડના આગ્રહથી આ ગીત લખાયું.આ પણ સમાજનું સત્ય...
આંખ્યુની ડેલીએથી ઊંડો અવસાદ હવે ઊનાં તે જળમાં ઊતરિયો....
સખીરી ! હવે રણનો પર્યાય એક દરિયો....
માછલીની જેમ ખૂબ તરફડતાં નયનોને
જળની સગાઈ હવે સાંભરે;
ભૂખી રેતીમાં જઈ તપતો સૂરજ મારો
ઊંટ થઈ ભીતરમાં ભાંભરે....
સૂસવાતાં ધોધમાર લુખ્ખા મરૂત જાણે જીવમાં ફરે છે કોક ગરિયો.....
સખીરી ! હવે રણનો પયાય એક દરિયો....
કાચી સોડમ મારાં શ્વાસોમાં મધમધતી
કરમાતો ફૂલોનો કાફલો;
ધરબ્યો છે કેટલો ઝાંઝવાંનાં પેટાળે
ટળવળતી ઇચ્છાનો રાફડો....
ગાડું ભરીને કાળી ચીસોનો ગંજ આજ મેં તો છે મારામાં ભરિયો....
સખીરી ! હવે રણનો પયાય એક દરિયો.
અનિલ વાળા
આપણે જ આપણાથી શરૂઆત કરીએ કે દરિયામાં દરિયો થઈ તરીએ....
ન્હાવું જ હો આખરે આપણે તો ખાડા-ખાબોચિયામાં શું કામ ઊતરીએ ?
દરિયાને કાંઠે જે પગલું માંડો તો પગ ‘હોવા’ જેવુંય ભાન થાય,
શેલ્લારા લેતાં આ પાણીને જોઈને આંખો આકાશ બની જાય !
ધુમ્મસ બનીને પછી ધુમાડો થઈને પછી વાદળું બનીને પછી થોડુંક ઝરમરીએ !
ખળખળતાં વ્હેણોનું એવું કે આપણે તો ઈચ્છા અનિચ્છાએ તણાતાં જાવાનું નીત,
ધૂબકો મારો તો અહીં એવું તો થાય કે, ફરતી ચણાય જાય પાણીની ભીંત !
આપણે તો બસ આમ આખ્ખો દિવસ ફીણ મોજાંને ખિસ્સામાં ભરીએ !
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ....
આઘાં જઈએ તો સાવ કાચાં આ કાળજાંને જળચરની બીક બહુ લાગે,
મન વળી આપણને ઊંડે લઈ જાય અને તળિયાંનાં મોતીડાં માગે.....
તળિયાં લગણ ના પૂગીએ તો કાંઈ નહીં અધવચ સુધી તો હવે સરીએ...
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ...
છબછબિયાં કરવાના મોહમાં કોક વાર આંગણે જ દરિયાને સુક્કાવા મેલીએ,
ને આપણી જ આંખોની સામે આપણા જ દરિયાને બીજો લઈ જાય એની ડેલીએ....
આવું ના થાય એની કાળજી ખાતર હવે દરિયો પહેરીને પછી ફરીએ...
આપણે જ આપણાંથી શરૂઆત કરીએ...
અનિલ વાળા
અવધુ -૧
અવધુ ! લેજો જ્ઞાન વિચારી,
અહીં કોણ પુરૂષ કોણ નારી રે ?
સસરો જેનો પાંચ વરસનો, સાસુ બાળકુંવારી રે...અવધુ ૦
ભામણને ઘર ન્હાતી-ધોતી, જોગીને ઘર ચેલી,
પુસ્તક વાંચી અભણ બની એ ન્હાઈને થાતી મૅલી !
પિયુ હજી પારણિયે ઝૂલે, એને ઝૂલાવનારી રે... અવધુ ૦
ડાહી-ડમરી વાત કરે પણ લોક કહે કે ઘેલી :
એવાં ઘરમાં રહેતી કાયમ નહીં બારી કે ડેલી !
નહીં પરણેલી, નહીં કુંવારી, પુત્રો જન્માવનારી રે.... અવધુ૦
સતીઓની યાદીમાં કાયમ રહેતી એ તો પ્હેલી :
સામ્મેથી બોલાવે બધાંને એવી એ વંઠેલી !
ગામનો એકે' ઉતાર ન છોડ્યો, છતાં હજુયે બાળકુંવારી રે... અવધુ૦
- અનિલ વાળા
અવધુ
અવધુ ! અમલ પિયાલો અઘરો
જે પચાવી જાણે એને કહી શકો છો તમેય મિત્રો લા.ઠા.જીનો લઘરો
પરથમ તો જેણે પાયો એ ગુરૂગાદીનાં દાસી જીવણની યાદી
હું અને મારું હોવું છે ગુરૂ સામે તો સાવ સાવ ને સાવ કહો તકલાદી
પણ પિયાલો તો છે જ પિયાલો, પિયે ભલેને ડોસો હો કે ડગરો...
અવધુ! અમલ પિયાલો અઘરો...
નવ મવ પ્યાલા,નવ નવ નોબત, નવ દરવાજે થાય આરતી આરત
કોણ ઓળખી શકે અહીંયા લઘરાજીનો એક જ પ્રેમ પદારથ?
વચમાં થોડી નુકતેચિની કરી કહું છું કે આ તો છે બમ્બઈ પુનાનો ઘઘરો.....
જય હો અવધુ! અમલ પિયાલો અઘરો...
અવધુ -૧૯
ચિપિયાથી પકડીને સીધો રે...
અવધુએ દાબડીમાં પડછાયો કેદ કરી લીધો રે...
પોતાનાં સળ બધાં સંકેલી સંકેલી વાળે છે વસ્તરની ગાંસડી
કાઢી નાખી રે ગમતિલાં ગળાંથી આજે તો શ્વાસોની હાંસડી
પોતે પોતાને ક્યાંક ચોરી ના જાય એવી વાતુંથી અંદરથી બિધો રે...
અવધુએ દાબડીમાં પડછાયો કેદ કરી લીધો રે...
તડકે સુકવે છે હવે કાયમ કાયમ એ તો પોતાનાં મદઝરતાં અંગો
ખાડો ગાળીને ખૂબ ઊંડે દફનાવ્યા છે એણે તો જીવતાં ઉમંગો
અવનવ અજીબજીનાં ખાધાં સોગંદ અને જીવમાં જઈ છેદ એક કીધો રે...
અવધુએ દાબડીમાં પડછાયો કેદ કરી લીધો રે...
- અનિલ વાળા
૦અવધુ૦
અવધુ! હઠીલા મત હો....
જે સપનું આવે એ સપનું આંખ ઉઘાડી જો...
અવધુ! હઠીલા મત હો....
હા, થાય ક્યારેક તો એવું વ્હાણ મૃગજળમાં તરે
આપણાં પોતીકાં શ્વાસો પણ આંખની સામે મરે....
ચરે,ફરે, રતિ કરે, ગર્ભને ધરે અને પછી બસ મરે*
પોતેનું પોતે જ સંભાળો, નહિ દેવાની કોઈને ક્યારે ખો...
અવધુ! હઠીલા મત હો....
હા, પીડા નામનો અલખ પદારથ આંખોમાં છો તરે
અને ખાલીપો ખણખણતો તું તારી ભીતર ભરવો હો તો ભરે
પણ તારું હોવાનું નિતનિત ભીંતપોપડી માફક ભલે ખરે
હશે જગત તો હશે ભલે તું-તમે ના આ દુનિયામાં હો...
અવધુ! હઠીલા મત હો....
- અનિલ વાળા
અવધુ !
અવધુ! ધુણી ધખાવી બેઠા...
પોતાની લૌકિક લાશ મહીં જે પવન પાતળું પેઠા..
અવધુ! ધુણી ધખાવી બેઠા...
નક્કી જ કર્યું છે કે પોતે પોતાનું ઉચ્છીષ્ટ નહિ કદી આરોગે
ષડયંત્ર ભલે શબરીનું હો,તો પણ એ નહિ બદરીનાં ભોગે
રાખ, રખોપું, રક્ત ,લાલિમા નથી બધાંનાં નેઠાં...
અવધુ! ધુણી ધખાવી બેઠા...
પોતે પોતાનો સોગ મનાવી, કરે બેસણું અને ખરખરો પોતે
ઘડો-લાડવો કરનારાં તો કહે એમનો જીવ ચોંટ્યો છે મસોતે
પોતે પોતાને જોયાં કરતાં રહીને પોતાનાથી છેટાં....
અવધુ ! ધુણી ધખાવી બેઠા...
--- અનિલ વાળા
અવધુ- ૧૮
અવધુ! જીવ-જગતનાં વિચાર છે લંબગોળ...
પડપૂછ નહિ કરવાની એની માણવી છાલક-છૉળ
જેમ સર્પ પોતાનું પુચ્છ મુખમાં લઈને રચે એક ચકરડું
એમ વિચારો માણી માણી મોજે બનવું ઘરડું
પોતાની ભીતર મુસાફરી ને તે પણ ઝાકમઝોળ..
પડપૂછ નહિ કરવાની એની માણવી છાલક-છૉળ...
હરેક ફેરો ગોળ ભલે હો ફેરાં લખચોસઠ કે સાત
દિવસ પછીથી રાત, રાત જન્માવે નવલ પ્રભાત
બહુ મજાનું શ્વાસોનું જળ, તું પી લે અથવા ઢોળ...
પડપૂછ નહિ કરવાની એની માણવી છાલક-છૉળ...
- અનિલ વાળા
શત્રુ મારણ મંત્ર ગીત
કાલી પૂતલી કાલા ખેલ
દીપ જલે સરસોં કા તેલ...
કાલે રંગ કે ધાગેમેં૦૦ પિરોયા હૈ કાલા ફૂલ
દુશ્મન કી છાતીમેં કાલી રાત કો ઉઠાઓ શૂલ
મનમેં નાચો કરકે મેલ
પીર દુહાઈ મેં કરુંગા ગેલ
કાલી ચિડિયા જંગલ જાઓ
સાદડકી લકડી લે આઓ
ઉન લકડી ચિતા બનાઓ,ઉનપે મેરા દુશ્મન લેટાઓ
મસાણ જલે ચિતા ઉસકી, મેં ચડાઊં બાવનાવીર ધૂપેલ...
- અનિલ વાળા...
અવધુ-૧૭
અવધુ ! પ્રગટ અપ્રગટની વચમાં
સાવ અનુભવી અને અપ્રગટ થઈ પોતાનાથી બચ મા...
ભ્રમણાની ભારી વિમાસણ, દેખ્યાના છે દેશ
આંખ અનાદિ આકારિત ને એમાં રાતી મેશ...
જૂઠી જીભડી કહે હજુ પણ અસત છૂપાયું સચમાં...
સપનું સાચું કે સાચી છે જગતબ્રહ્મની વાતો?
તું છે તે તો હું છું તો અહીં શો છે આપણ નાતો?
મારું મારું કહી કહીને વાત-વાતમાં તું અમથો બસ મચમાં...
- અનિલ વાળા
અવધુ-૧૫
અવધુ ! બીજ તો ખાલી બહાનું...
થડ,મૂળ,આ છાલ કે શાખા એ તો બધું નફાનું...
ખરી વાત તો પાન તણી છે એવું લેવું જાણી
પંચ અંગમાં બધે બધે તો વહ્યા કરે છે પાણી...
સકલ શરીરે ફરી રહ્યું છે એક તત્વ જે છાનું...
અવધુ ! બીજ તો ખાલી બ્હાનું..
ફૂલ વિના,રૂપ રંગ વિના કે ગંધ વિના શું જાણો ?
અન્તઘડીએ કશું હોય તો હોય ધૂળ કે પ્હાણો...
જીવ-જગતની વાત કરો તો ખાલી રહેતું ખાનું...
અવધુ ! બીજ તો ખાલી બ્હાનું...
- અનિલ વાળા
અવધુ -૧૦
અવધુ ! સાવ અનૂઠો હોયે ગેરૂઓ રંગ
જીવ ઝળહળ સ્થિર જ્યોત ને છોડી ચાલે અંગ...
સૂન શિખર પર ધજા ફરકતી, ખીણમાં પડઘા ઝૂલે
મહામૂલા આ મતિ વતી સૌ કમળફૂલ થઇ ખૂલે
હો સુધબુધના દ્વાર બંધ ને હો પ્રત્યાંચા તંગ
અવધુ ! સાવ અનૂઠો હોયે ગેરૂઓ રંગ
અ્હાલેકની ભસ્મ ભાલ પર માયા-મમતા પરે
વાણી નામક મહી મૈયારણ કર કમંડલ ધરે
વાત કરીને વરે અનુપા પંડ- પંખીડા સંગ...
અવધુ ! સાવ અનૂઠો હોયે ગેરૂઓ રંગ...
- અનિલ વાળા
અવધુ -૧૬
અવધુ! અજબ અનેરો ખેલ
કશું નથી-માંથી જ બન્યો છે સકલ સકલનો મ્હેલ !
પડમાંથી પડમાંથી પડ- અંતે કંઇ ના મળતું
છતાં ભીતરમાં સૂર્ય કરંતા વધુ કંઈક ઝળહળતું...
ઉત્સવ- ઉદાસી-આંસુ-દુ:ખ-સુખ ખાલી ખાલી ગેલ...
અવધુ ! અજબ અનેરો ખેલ..
મળવું ને બસ પડવું છૂટાં, વચમાં યાદોનો મેળ
લડવું-પડવું રાજી થાવું...માણસની શી હેળ !
પ્રગટ દીપકને કોટીક વંદન, ઝળહળ વિના વાટ કે તેલ...*
અવધુ! અજબ અનેરો ખેલ...
- અનિલ વાળા
* પરંપરાની ઉજ્જવળતાને યાદ કરતાં..
No comments:
Post a Comment